પ્રેમ

પ્રેમ એટલે એવું જરૂરી નથી કે પતિ પત્નિ સાથે જ હોય કે માતા પિતા સાથે જ હોય. ભાઈ બહેન સાથે કે દાદા દાદી સાથે હોય. કહેવાય ને કે અમુક સબંધ ના નામ જ નથી હોતા, એવો જ સબંધ હતો રૂપા અને રતન નો. 

                પહેલા ના જમાનાની વાત છે, એટલે જન્મ પહેલાં જ સગાઈ નક્કી થઈ ગઈ હોય. પેટે ચાંલ્લા કરી ને સગાઈ નક્કી કરવાના રિવાજ હતા. શાંતિ અને સરોજ ને પાક્કા બહેનપણાં બંધાઈ ગયા હતા, ને જોગા નું જોગ બેઓ ને એક સાથે જ સારા દિવસો જતા હતા. બેઓ ના બહેનપણાં ને જોઈ ને એના વડીલોના પણ મન ભળી ગયેલા. આ દોસ્તી ના સબંધ ને એક રૂપાળા નામ સાથે જોડવા બંને પરિવાર માં અનેરો થનગનાટ હતો. સારો દિવસ જોયો અને બંને ના પેટ પર જ ચાંલ્લા કરી સગાઈ નક્કી કરી. જો શાંતિ ના ઘેર દીકરી આવે ને સરોજ ના ઘેર દીકરો આવે અથવા શાંતિ ના ઘેર દીકરો ને સરોજ ના ઘેર દીકરી તો એકબીજા પરસ્પર વેવાઈ થાય અને એકબીજા ના સંતાનો ને જીવનભર પ્રેમ અને લાગણીઓથી સજાવા ના વાયદાઓ આપ્યા. 

               સમય સમય નું કામ કરતો હતો, ધીમે ધીમે નવ મહિના વીત્યા અને શાંતિ ને દીકરો અવતર્યો નામ આપ્યું રતન. સરોજ ને દીકરી જન્મી એને નામ આપ્યું રૂપા. બંને બાળકો રૂપાળા એટલે દૂધ ને પણ ફિક્કા પાડે, નમણા એટલે ગુલાબના ફૂલ કરતાં પણ નમણા કહીએ તો કંઈ ઓછું ના કહેવાય. ગાલ માં ગુલાબી લાલી પડે, હોઠ એટલે ગુલાબ ની પાંખડી જ જોઈ લ્યો.

             ધીમે ધીમે સમય જતાં બંને બાળકોનો ખૂબ સારી રીતે ઉછેર થયો. પરસ્પર એકબીજાને ખબર તો હતી જ કે તેઓ જીવનભર માટે એક બીજાના થવા ના છે. બાળપણની આ અનેરી દોસ્તી અને એક અનેરા સબંધ ની બાંધણી બાંધતી ગઈ. શાળામાં પણ બંને સાથે અને ઘરે પણ સાથે જ હસતા રમતા. 
              આમ જ હસતા રમતા ક્યારે મોટા થઈ ગયા ખબર જ ન પડી. વડીલો બધા ભેગા થયા અને લગન નક્કી કરવાના વિચારો કરવા લાગ્યા. જમાનો જૂનો હતો પણ વિચારો તો નવા જ ને, આખા ગામ માં જાહેરત થઈ ગઈ કારતક મહિનો બેસે એટલે અગિયારસ ના સારા શકન ના છે. 
                 કારતક મહિના ને હવે કેટલી વાર, લગ્ન ને એક જ મહિના ની વાર હતી અને રતન ને નોકરી નો કાગળ આવ્યો. એને જેની તમન્ના હતી એવી જ આર્મી ની નોકરી માટે નો કાગળ હતો. બાળપણથી મન માં ક્યાંક છાના ખૂણે દબાવી ને રાખેલુ સ્વપ્ન આજે નજર સામે તરવરતું હતું. ઘરે કોઈ ને કહયું નહોતું કે આર્મી ની ભરતી માં નામ લખાવ્યું છે, જ્યારે ખબર પડી ત્યારે બધા રાજી થયા પણ સામે એટલા જ દુઃખી પણ હજુ હમણાં લગ્ન છે છોકરા ના ને આવતા મહિના ની બીજી તારીખે હાજર થવાનું. 
                 સાચી પરીક્ષા તો હવે રૂપા ની છે, એના ભરોસે રતન એ છોડી દીધું કે જો રૂપા હા પાડશે તો જ જશે નહીંતર લગ્નસંસારમાં જોડાશે. રૂપા માટે આ બહુ અઘરું હતું, પણ તેણે ખાસ વિચાર ના કર્યો જ્યારે રતન એની પરવાનગી માટે આવ્યો ત્યારે બસ એટલું જ બોલી તારા સપના મારા કરતાં પણ આગળ રહેવા જોઈએ, તારી રાહ જોઇશ હું જ્યારે આવે ત્યારે આ રૂપા હંમેશા રતનની જ રહેશે.
                 આજે એંશી વર્ષ ની રૂપા હજુ પણ મન માં કોઈક ખૂણે રતનની રાહ જોવે છે. એને ખબર છે, રતન દેશ માટે શાહિદ થયો છે અને એની લાશ પણ પરિવાર ને નથી મળી. હંમેશા વિચારે છે કે ક્યારેક આવશે એનો રતન એને આપેલા વચન ને નિભાવવા. આમ ને આમ રૂપા પોતાનું જીવન વિતાવે છે એના રતન ની રાહ માં.
                એક દિવસ અચાનક ખબર પડે છે, આખા ગામ માં સનસનાટી છવાય જાય છે, કાળો કહેર જ જોઈ લ્યો. રૂપા ડોશી ને જમના તેડા આવ્યા અને માજી સ્વર્ગે સિધાવ્યા. ઘર પરિવાર માં બીજી ત્રીજી પેઢી ના ભાઈ ના છોકરાઓ એ એની બધી વિધિ પુરી કરી.
                 આખાગામ માં બસ એક જ ચર્ચા થતી હતી, જીવતેજીવ જે જીવ ના મળી શક્યા ભગવાન કરે એના દરબાર માં એ બંને ને સ્થાન મળે અને બંને ના પ્રેમ ની કથાઓ આજે વર્ષો પછી પણ એટલી જ લોકપ્રીય રહે એના માટે બંને ના નામે દાન પુણ્ય પણ એટલું કર્યું.
                 પ્રેમ એટલે ફક્ત એક બીજા ને પામવું જ નહીં પણ એકબીજાના મન ને પામવું, બંધનો માં બાંધવું નહીં પણ પોતાની તરફ થી બધી છૂટ આપી એકબીજાની જીંદગી સજાવવી.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

समझ लेना..

દોસ્તી એટલે દગો... 💔